વડોદરાઃ ‘ભારતમાં મહિલાઓ માટે સુરક્ષિત છે’ આ સંદેશા સાથે વડોદરાની 40 વર્ષીય સોલો રાઇડર ભૂમિકા દિલીપભાઈ પુરાણીએ વડોદરાથી બદ્રીનાથ અને કેદારનાથ સુધી 3,780 કિ.મી.ની બુલેટ યાત્રા પૂર્ણ કરી સાહસિક ઉદાહરણ આપ્યું છે. ભૂમિકાએ જણાવ્યું કે, ‘હું રૂઢિચુસ્ત પરિવારથી આવું છું. સમાજ જે કામ માટે છોકરીઓને અયોગ્ય માનતો હતો, હું તે બધું સાબિત કરવા ઉતરી હતી.
ઉલ્લેખનીય છે કે, ભૂમિકાને 16 વર્ષથી વધુનો રાઇડિંગ અનુભવ છે. ભૂમિકા પુરાણીનું ધ્યેય સ્પષ્ટ હતું કે, સમાજમાં મહિલાઓ માટે સલામતી અને સશક્તિકરણ અંગે જાગૃતિ ફેલાવવી છે. આ યાત્રા માત્ર રોડટ્રીપ ન રહી, પરંતુ આત્મશોધન અને અડગ સંકલ્પની સાકાર મૂર્તિ બની હતી. સોલો રાઇડર ભૂમિકાએ જણાવ્યું કે, મેં મારી ‘ત્રિશૂલા’ બાઇક પર 16 મેએ સવારે વડોદરાથી ઇન્દોર તરફ સફર શરૂ કરી હતી. ઇન્દોરમાં રોકાયા પછી મેં ઋષિકેશ તરફ કૂચ કરી હતી.
ભૂમિકાને 16 વર્ષનો રાઈડિંગ અનુભવ
ભૂમિકા 16 વર્ષનો 3.50 લાખ કિ.મી.થી વધુનો રાઇડિંગ અનુભવ ધરાવે છે. જેઓ વર્ષ 2017, 2022 2023માં રાઇડર મેનિયામાં પણ ઉપસ્થિત રહ્યા હતા. ભૂમિકાએ આ અંગે માતા-પિતાને શિખામણ આપતાં કહ્યું કે, મારી દીકરીઓનાં માતા-પિતાને સલાહ છે કે દીકરીઓને સ્કૂટી કે કાર ચલાવતાં શીખવ્યા પછી તેનું બેઝિક રિપેરિંગ પણ શીખવવું જોઈએ.